હીથ્રોના સબસ્ટેશનમાં ભીષણ આગના કારણે એરપોર્ટ પર 1350 ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાયું
હીથ્રોના સબસ્ટેશનમાં ભીષણ આગના કારણે એરપોર્ટ પર 1350 ફ્લાઇટ્સનું સંચાલન ખોરવાયું
Blog Article
લંડનના હિથ્રો એરપોર્ટ નજીક શુક્રવારે ભીષણ આગના કારણે એરપોર્ટ બંધ કરવુ પડ્યું હતું. આથી લાખો પ્રવાસીઓ અટવાયા હતા. આગના કારણે એરપોર્ટનો વીજ પુરવઠો ખોરવાયો હતો. હીથ્રો એરપોર્ટથી ઊપડનારી 1,350 ફ્લાઈટને આગથી અસર પહોંચી છે. ફ્લાઈટ રદ થવાથી અનેક પ્રવાસીઓ પોતાની મુસાફરીમાં ફેરફાર કર્યો હતો. પશ્ચિમ લંડનમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ, તેમણે મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ આગની જ્વાળાઓ દેખાઈ અને ચારે બાજુ ધુમાડા છવાઈ ગયા હતા. આગના કારણે એરપોર્ટની નજીકમાં આવેલું ઈલેક્ટ્રિક્લ સબસ્ટેશન તબાહ થઈ ગયું હતું. એરપોર્ટ બંધ કરવાની જાહેરાત થઈ ત્યારે 120 જેટલી ફ્લાઈટ હવામાં હતી. કેટલીક ફ્લાઈટને પાછી વાળવામાં આવી હતી. અન્ય કેટલીક ફ્લાઈટ્સને લંડનની બહારના ગેટવિક એરપોર્ટ તથા પેરિસ નજીક ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી.
વિશ્વના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં હીથ્રોની ગણતરી થાય છે. જાન્યુઆરી મહિનો હીથ્રો એરપોર્ટ માટે ખૂબ વ્યસ્ત રહ્યો હતો. આ સમયગાળામાં 63 લાખ પ્રવાસીઓ હીથ્રો એરપોર્ટ પર આવ્યા હતા, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા કરતા પાંચ ટકા વધુ છે. 2010માં આયર્લેન્ડ નજીક જ્વાળામુખીના ફાટવાથી વાતાવરણમાં રાખ-ધુમાડો ફેલાઈ ગયા હતા અને મહિનાઓ સુધી હવાઈ સેવા ઠપ રહી હતી.